ઈમાઈલ દુર્ખિમ
ઈમાઈલ દુર્ખિમ નું સમાજશાસ્ત્રમાં પ્રદાન:
ઈમાઈલ દુર્ખિમ નો જન્મ 13, એપ્રિલ, 1858 માં ફ્રાન્સના વોસાજી પ્રદેશમાં આવેલા લોરેન એમિનલ ખાતે એક યહુદી કુટુંબમાં થયો હતો. તેમનું શરૂઆતનું શિક્ષણ સ્થાનિક શાળા અને કૉલેજમાં લીધું અને ઉચ્ચ શિક્ષણ પૅરિસની ‘ઈકોલે પૉલિટેકનિક’ માં લીધું હતું.ઈમાઈલ દુર્ખિમ ઈ.સ. 1906માં ફ્રાન્સની ‘પૅરિસ યુનિવર્સિટી’માં સમાજશાસ્ત્ર વિષયના સૌપ્રથમ પ્રધ્યાપક બન્યા.
ઈમાઈલ દુર્ખિમે તે સમયના શિક્ષણ, ધર્મ, અપરાધ, ન્યાય, આપઘાત, કુટુંબ, લગ્નવિચ્છેદ, ઔદ્યોગિક સંઘવાસ, રાજકીય સુધારણા વગેરે પ્રાશ્નો પર સંશોધન કરી અભ્યાસલેખો લખ્યા. તેમણે મધ્ય આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ગિયાનાના આદિવાસીઓ વિશે અભ્યાસલેખો પણ લખ્યા છે. ઈમાઈલ દુર્ખિમે સમાજશાસ્ત્રનો વૈજ્ઞાનિક પદ્વતિથી અભ્યાસ કરી તેને ‘આધુનિક સામાજિક વિજ્ઞાન’ તરીકે રજુ કર્યું.
ઈમાઈલ દુર્ખિમે પોતાના પુસ્તક ‘The Rules Of Sociological Method’ માં સામાજિક તથ્યો ની સમજુતી આપીને સમાજશાસ્ત્રના પદ્વતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું છે. ઈમાઈલ દુર્ખિમના મત પ્રમાણે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથક્કરણ નથી કરતું પરંતુ તે સામાજિક જીવન જીવવાની કલા છે. સમાજશાસ્ત્ર જીવંત વ્યક્તિઓના સમુહનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તેમણે વ્યક્તિ અને સમુહ વચ્ચેના સંબંધોના કારણે સમુહની વ્યક્તિ પર શું અસર થાય છે તેના આધારે ‘સામાજિક તથ્યો’નો ખ્યાલ રજુ કર્યો.
દુર્ખિમના મતે ‘સામાજિક તથ્યો’ સમુહ જીવનમાંથી ઉદભવે છે. ભારતીય સમાજમાં રિવાજો, પરંપરાઓ, લોકરીતિઓ, રૂઢિઓ વગેરે સામાજિક તથ્યોનાં ઉદાહરણો છે. સામાજિક તથ્યો વ્યક્તિઓની બહાર, તેમનાથી અલગ એક આગવું અસ્તિત્વ ધરાવે છે અને બહાર રહીને વ્યતિઓને ચોક્કસ રીતે વર્તન કરવાની ફરજ પાડે છે તેમજ તેમના વર્તનનું નિયંત્રણ પણ કરે છે. આવાં તથ્યોનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય છે.
દુર્ખિમે સામાજિક તથ્યોના ખ્યાલ ઉપરાંત શ્રમવિભાજન, આપઘાત, ધર્મ, સામાજિક એકતા, સામૂહિક પ્રતિનિધિત્વ વગેરે સિદ્વાંતો આપી સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

જાણવું ખૂબ જ ગમ્યું..
ReplyDelete